તમે લગ્નો તો ઘણા જોયા હશે, પણ ક્યારેય એક વર અને બે કન્યા સાંભળ્યું છે. જી હાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે આગામી 19 મેના રોજ એક અનોખો લગ્ન પ્રસંગ યોજાવાનો છે, જે હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં 36 વર્ષના મેઘરાજ દેશમુખ એક નહીં, પરંતુ બે પત્ની કાજલબેન અને રેખાબેન સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની કંકોત્રી પણ સામે આવી છે. આ લગ્નની કંકોત્રીમાં વરરાજાના નામ સાથે બે દુલ્હનના નામો છપાયા છે, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હન હોય છે, પરંતુ અહીંનાં પત્રિકામાં એવી જ વાત સૌનું ધ્યાન ખેંચે છે.
કાજલ સાથે મેઘરાજની સગાઈ વર્ષ 2010માં થઈ હતી અને રેખા સાથે વર્ષ 2013માં થઈ હતી. ત્યાર બાદ બંને યુવતી મેઘરાજ સાથે ખાનપુર ગામે પત્ની તરીકે રહે છે. મેઘરાજને કાજલ થકી બે સંતાન છે, જ્યારે રેખા થકી એક સંતાન છે. આ ત્રણેય સંતાનો માતા-પિતાના લગ્નમાં ઉપસ્થિત રહેવાનો લહાવો લેશે. મેઘરજના પિતા રામભાઈ નવલભાઈ દેશમુખને પણ બે પત્ની છે. જેમાં એક છે અને બે વનિતાબેન છે. રામભાઈને કુલ પાંચ સંતાન છે.
