રિપબ્લિકન ઉમેદવાર ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં ૨૭૭ ઇલેક્ટોરલ વોટ સાથે અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ થયા છે અને આ સાથે જ તે અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બન્યા છે.
વર્ષ 2020માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. જેના 4 વર્ષ બાદ ફરી ટ્રમ્પનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. આ જીત સાથે તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. એક વાર હાર બાદ સત્તામાં વાપસી કરવાનો ટ્રમ્પે 131 વર્ષ બાદ રેકોર્ડ તોડ્યો છે. તેઓ ગ્રોવર ક્લીવલેન્ડ (1885-1889 અને 1893-1897) પછી 4 વર્ષના સમયગાળા પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરનારા બીજા નેતા છે.
રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પે બંન્ને વખત મહિલા ઉમેદવારોને હરાવ્યા હતા. ટ્રમ્પ સામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટના પત્ની હિલેરી ક્લિન્ટનને ઇલેક્ટોરલ કોલેજના ફક્ત 227 મત મળ્યા હતા જ્યારે ટ્રમ્પને 304 મત મળ્યા હતા. આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની સામે મહિલા ઉમેદવાર હતા. આ વખતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસ હતા. કમલા હેરિસને ઇલેક્ટોરલ કોલેજના ફક્ત 224 મત મળ્યા અને ટ્રમ્પે 277 મત મેળવીને જીત હાંસલ કરી છે.