દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. માણસની લાઈફસ્ટાઈલ, પ્રદુષણ, વસ્તી વધારો, ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ વગેરે જેવા પરિબળોના કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે. જેની જનજીવન પર પ્રતિકૂળ અસર થઇ રહી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024ના પ્રથમ નવ મહિનામાં ભીષણ ગરમી અને ભારે વરસાદની ઘટનાથી 3200થી વધુ લોકોના મોત થયા છે, 2.3 લાખથી વધારે ઘર નાશ પામ્યા છે.
ભારતમાં વર્ષ 2024ના પ્રથમ નવ મહિનના 274 દિવસમાંથી 255 દિવસ ખરાબ હવામાન રહ્યું હતું. રિપોર્ટ મુજબ, ભીષણ ગરમી, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 3238 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે 3.2 મિલિયન હેક્ટર પાકને અસર થઈહતી. ભારે વરસાદથી 2,35,862 ઘર અને ઈમારતો નાશ પામી હતી, જ્યારે 9457 પશુના મોત થયા હતા.
ક્લાઈમેટ ચેન્જની અસર હાલ વિશ્વભરમાં એટલી દેખાઈ રહી છે. હાલત એટલી ગંભીર છે કે તાજેતરમાં સાઉદી અરેબિયાના રણમાં પહેલી વખત હિમવર્ષા થતી જોવા મળી. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.