કેનેડાએ અચાનક એક મોટો નિર્ણય લેતા લાખો ભારતીય અને અન્ય 13 દેશોના વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. કેનેડાએ પોતાના સ્ટૂડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સિસ્ટમને અચાનક બંધ કરી દીધી છે. આ એક ફાસ્ટ-ટ્રેક સ્ટડી પરમિટ પ્રક્રિયા હતી, જે અંતર્ગત હજારોની સંખ્યામાં ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટને કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ટૂંક સમયમાં જ વિઝા મેળવવાની પરવાનગી આપવામાં આવતી હતી. જોકે, કેનેડા સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક વિઝા બંધ કરવામાં આવતા ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે.
આ અંગે કેનેડા સરકારે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ‘પ્રોગ્રામની અખંડિતતાને મજબૂત કરવા, વિદ્યાર્થીઓની નબળાઈઓને દૂર કરવા અને તમામ વિદ્યાર્થીઓને અરજી પ્રક્રિયામાં ન્યાયી અને વાજબી ઍક્સેસ પ્રદાન કરવા માટે આ પહેલ બંધ કરવામાં આવી રહી છે.’ મહત્વનું છે કે, 2018 માં શરૂ કરાયેલ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા SDS નો હેતુ બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, ભારત, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ સહિતના 14 દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયાને સરળ કરવાનો હતો.