ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCI અને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ICC દ્વારા માહિતી મળી હતી કે BCCI તેની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે સરહદ પાર નહીં મોકલે. જેના પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને પૂછ્યું છે કે શા માટે ભારતીય ટીમ પાકિસ્તાન આવવા માંગતી નથી.
સાથે જ પાકિસ્તાન બોર્ડે કહ્યું છે કે જો ટૂર્નામેન્ટની યજમાની તેની પાસેથી છીનવી લેવામાં આવશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે. PCBએ પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કર્યા બાદ ICCને આ વાત જણાવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ICC દક્ષિણ આફ્રિકામાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના દેશમાં આવે પરંતુ બીસીસીઆઈએ આનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. BCCI ઈચ્છે છે કે ભારતની મેચો પાકિસ્તાનની બહાર દુબઈમાં યોજાય. પરંતુ પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે બિલકુલ તૈયાર નથી.