અમદાવાદ શહેરમાં વધુ એક સુવિધા શહેરીજનો માટે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ હશે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે.
છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ઘણી વખત કરવામાં આવી છે, પરંતુ આ વખતે AMC દ્વારા સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અગાઉ 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. સાબરમતી નદીમાં કાર્યરત થનાર ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. ફલોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટની ક્ષમતા 265 વ્યક્તિની રહેશે. ફલોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ 49 મીટર લાંબી હશે.
હવે આ પ્રોજેક્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આગામી દિવસોમાં તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવશે. રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ શકે છે. જેમાં લોકો મ્યુઝિક સહિત અનેક પ્રકારની સુવિધાઓ માણી શકશે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.