ડેનમાર્કની વિક્ટોરિયા કજેરને મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીતી લીધો છે. વિક્ટોરિયા કજેરને મિસ નિકારાગુઆ, શેનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ નાઈજીરિયાની ચિદિન્મા અદેત્શિના રહી હતી. જ્યારે બીજી રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન રહી હતી. આ સ્પર્ધામાં 130 સ્પર્ધકોએ 125 દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જોકે ભારત તરફથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી રિયા સિંઘા ટોપ-12માં પોતાનું સ્થાન મેળવી શકી ન હતી.આ વર્ષની શરૂઆતમાં રિયા સિંઘા મિસ યુનિવર્સ ઈન્ડિયા બ્યુટી પેજન્ટની વિજેતા રહી હતી. ભારત પાસે આ વર્ષે ચોથી વખત આ ખિતાબ જીતવાની તક હતી. આ પહેલા ત્રણ વખત ભારતીય બ્યુટી ક્વીન્સ આ ખિતાબ જીતી ચૂકી છે. સન 1994માં સુષ્મિતા સેને પહેલી વખત ભારત માટે આ ખિતાબ જીત્યો હતો. આ પછી લારા દત્તા અને હરનાઝ સંધુએ આ ખિતાબ ભારત માટે જીત્યો હતો.