અમેરિકાએ યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કરવાની મંજૂરી આપ્યાના દિવસોમાં જ યુક્રેને અમેરિકાના છ એટીએસીએમએસ મિસાઈલ રશિયાના બ્રીન્સ્ક પ્રાંત પર છોડયા હતા. બીજીબાજુ અમેરિકાની બદલાયેલી નીતિના જવાબમાં યુક્રેન સાથે યુદ્ધના ૧૦૦૦ દિવસ થવાની તૈયારી છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ તેમની પરમાણુ નીતિમાં ફેરફાર કરતા વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે.
બાઈડનના નિર્ણયથી ભડકેલા રશિયાએ પરમાણુ હુમલાના નિયમો બદલી નાખ્યા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જો કોઈ દેશ જેની પાસે પરમાણુ શક્તિ નથી, તે દેશ અન્ય કોઈ ન્યુક્લિયર પાવર ધરાવતા દેશના સપોર્ટથી હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું એલાન સમજવમાં આવશે. જો રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ થયો તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે. રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. મેદવેદેવે પોતાની ટેલિગ્રામ ચેનલ પર કહ્યું કે અમેરિકાએ યુક્રેનને રશિયાની અંદર મિસાઈલ હુમલા કરવાની મંજૂરી આપીને આની શરૂઆત કરી છે. બાઇડેનના નિર્ણયને કારણે રશિયાએ નવા પરમાણુ સિદ્ધાંતને બદલવાની જરૂર પડી છે. આનો અર્થ એ છે કે આપણા દેશ સામે છોડવામાં આવેલી નાટો મિસાઇલોને રશિયા પર હુમલો માનવામાં આવશે. રશિયા યુક્રેન અથવા કોઈપણ નાટો દેશો પર પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે છે.