હાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ, આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલા ચક્રવાત જો આંધ્ર અને ઓડિશા કિનારા તરફ જશે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. જ્યાં માવઠું પડવાની પણ શક્યતા નકારી શકાય નહીં. બીજીબાજુ આગામી 48 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પંચમહાલ, અમરેલી, સુરત, વલસાડ અને રાજકોટમાં ઠંડીનું જોર પણ વધી શકે છે. આ ભાગોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. જેના કારણે વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. સાથે જ હવામાન નિષ્ણાંતે આગામી ડિસેમ્બર મહિનામાં ઠંડીનું ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરી છે.