દેશભરમાં સાયબર ક્રિમિનલ્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે રોજ નવી નવી રીતો શોધી કાઢે છે. આજકાલ સાયબર ક્રિમિનલ્સ લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ કોઈને કોઈ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ એ સાયબર ફ્રોડનો એક પ્રકાર છે જેમાં ગુનેગારો લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે હવે અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદના બિલ્ડર પાસેથી સાયબર ગઠિયાઓએ 1 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓ પાર્સલમાં MD ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
અમદાવાદનાં નારણપુરાની શીવ સંકલ્પ સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં કેતન પટેલે આ અંગે ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ૩ જુલાઈના રોજ તેમને ફેડેક્સ કુરિયરથી ફોન આવ્યો હતો કે તમારા નામે એક પાર્સલ ઇરાન જતુ હતું, જેમાં પાસપોર્ટ, ડેબિટ કાર્ડ અને એમડી ડ્રગ્સ છે. આ સદર્ભમાં મુંબઈ નાર્કોટિક્સની અંધેરી સ્થિત ઓફિસમાં આ બાબતે ગુનો નોંધાયો છે.આમ કહીને સાયબર ગઠિયાઓએ અમદાવાદના બિલ્ડર પાસેથી 1 કરોડની રકમ પડાવી લીધી હતી. ત્યારે પોલીસે આ સાયબર ક્રિમિનલ્સની ગેંગને ઝડપી લીધી. સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનની ગેંગને ઝડપી લીધી અને આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.