ગુજરાતમાં હાલ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી તરફ દક્ષિણ ભારત પર હાલ ભારેથી અતિભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતને ફેંગલ નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કર્યું છે. જો સિસ્ટમ ખરેખર વાવાઝોડામાં પરિવર્તિત થાય તો તે ચોમાસા બાદનું બીજું વાવાઝોડું હશે.
55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 25 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 22 નવેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાદળો છવાયેલા રહેશે. 25-27 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. નિકોબાર ટાપુઓમાં 22 થી 24 નવેમ્બર અને કેરળમાં 26 થી 27 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે.