અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાના આરોપમાં મુશ્કેલીનો સામનો કરી રહેલ અદાણીની મુશ્કેલી વધી છે. આ મામલે યુએસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા આરોપની તપાસ શરૂ કરવા માટેના નિર્દેશોની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી છે.
મળતી માહિતી મુજબ, ભારતમાં સોલાર પ્રોજેક્ટ માટે અધિકારીઓને લાંચ આપવા અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી મુદ્દે અમેરિકામાં આરોપો ઘડાયા પછી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકાના આરોપોની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં આરોપ મૂકાયો છે કે અમેરિકન કોર્ટના આરોપો અને એસઈસીની ફરિયાદમાં ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓ દ્વારા ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાના ગંભીર આરોપ મૂકાયા છે.
ભારતીય તપાસ એજન્સીઓએ આ આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં વકીલ વિશાલ તિવારીએ આ અરજી કરી છે. અગાઉ પણ વિશાલ તિવારીએ અદાણી જૂથ પર હિન્ડનબર્ગના રિપોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓનું નેતૃત્વ કર્યું હતું. અરજીમાં ભારતીય બજાર નિયામક સેબીની કામકાજની રીત પર પણ સવાલ ઉઠાવાયો છે. બીજીબાજુ શેખ હસિના સરકારે અદાણી જૂથ સાથે કરેલા વીજળી કરારોની સમીક્ષા કરવાનો બાંગ્લાદેશની વચગાળાની સરકારે નિર્ણય કર્યો છે. આવા સમયે ભાજપ નેતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સંસદના સત્ર અગાઉ ગૌતમ અદાણી સામે અમેરિકા દ્વારા આરોપો ઘડવાના સમય મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.