એડિલેડમાં છઠ્ઠી ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ તેની ટીમ જાહેર કરી દીધી છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024માં ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટમાં ભારતને હરાવવા માટે અને ડે-નાઇટ ટેસ્ટમાં જીત મેળવવા માટે ઓસ્ટ્રેલિન ટીમે ખાસ પ્લાન બનાવ્યો છે. ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ આ દિવસોમાં ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. તેના સ્થાને બ્યૂ વેબસ્ટરને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. પર્થ ટેસ્ટમાં ભારતની 295 રને મોટી જીત બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે મિચેલ માર્શ ઈંગ્લેન્ડ પ્રવાસથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. મુખ્ય ખેલાડી બ્યૂ વેબસ્ટર એડિલેડમાં રમાનારી પિંક-બૉલ ટેસ્ટમાં તેની જગ્યાએ આવશે. તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં વેબસ્ટરના આંકડા ઉત્તમ હતા. તેણે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 5,297 રન બનાવવા ઉપરાંત 148 વિકેટ પણ લીધી છે.