ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર થઈ છે. ભારતે માત્ર 18 રનની લીડ મેળવી હતી અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 19 રન કરવાના હતા. ત્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં 10 વિકેટે ભારતને હાર આપી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કર્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાના બોલરોએ પાયમાલી મચાવી દીધી હતી અને એડિલેડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પહેલા જ સેશનમાં ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં 175 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં પેટ કમિન્સે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો. આ પછી કાંગારુ બેટ્સમેનોએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી વિજય નોંધાવ્યો હતો.