યુદ્ધગ્રસ્ત સીરિયામાં આંતરવિગ્રહ ચરમસીમા પર છે. સીરિયામાં છેલ્લા 50 વર્ષથી ચાલી રહેલા બશર અલ અસદના પરિવારના શાસનનો આખરે અંત આવી ગયો છે. બળવાખોરોએ આખરે રાજધાની દમિશ્ક પર કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ અસદ પરિવારના સભ્યોની સાથે કટોકટી વચ્ચે દેશમાંથી ફરાર થઇ ગયા છે. સીરિયાના ચારે શહેરો પર બળવાખોરોના જુથે હવે સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. અસદના પરિવારના સભ્યો પહેલાથીજ દેશ છોડી ચુક્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ અસદે રશિયામાં શરણ લીધી છે. મળતી માહિતી મુજબ, સમગ્ર સીરિયા પર બળવાખોરોએ કબજો જમાવી લીધો છે.
રાષ્ટ્રપતિ બશર અલ અસદના પરિવારનુ શાસન આશરે 50 વર્ષ સુધી ચાલ્યુ હતુ. હવે 50 વર્ષ બાદ સીરિયામાં નવી સરકાર બનવા જઇ રહી છે. બશર ફરાર થઇ ગયા છે. સીરિયાના વડાપ્રધાને પણ બળવાખોરોની સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. બળવાખોર જુથ એચટીસીએ કહ્યુ છે કે હવે નવા સીરિયાનુ નિર્માણ થશે. તમામ લોકો શાંતિથી રહેશે. બળવાખોરોએ સીરિયામાં કબજો જમાવી લીધા બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે. ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તોપ સાથે ઉજવણી કરાઇ રહી છે. લોકો બશર સરકારના પતન બાદ ઉજવણી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બળવાખોરોએ સરકારી ટીવી નેટવર્ક પર કબજો જમાવી લીધો છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ વિમાનમાં બેસીને કોઇ ગુપ્ત સ્થળે રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે રશિયામાં શરણ લીધી છે. બીજીબાજુ વડાપ્રધાન મોહમ્મદ ગાજી અલ જલાલીએ કહ્યુ છે કે તેઓ પોતાના ઘરને છોડવા માટેની યોજના ધરાવતા નથી. કારણ કે જાહેર કામગીરી જારી રહે તેમ તેઓ ઇચ્છે છે. મધ્યપૂર્વમાં સરકારોના પતન બાદ ભારે અંધાધુંધી થઇ છે.
2003માં અમેરિકાની સેનાએ ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને પગભ્રષ્ટ કર્યા ત્યારે ભારે લૂટ થઇ હતી. રાજ્ય એજન્સીઓ અને જાહેર સ્થળો પર લૂંટ કરવામાં આવી હતી. સીરિયામાં અસદ સરકારનુ પતન થયુ છે. સીરિયાના જાહેર સ્થળો પર પણ બળવાખોરોનો હવે કબજો છે. બળવાખોર નેતા અહેમદ અલ શારાએ કહ્યુ છે કે દેશના જાહેર સ્થળો અને સંસ્થાઓ પૂર્વ વડાપ્રધાનની દેખરેખમાં રહેશે. જ્યાં સુધી નવી સરકાર બનતી નથી ત્યાં સુધી આવી સ્થિતિ રહેશે. બીજી બાજુ વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ જલાલીએ પણ નવી સરકાર સત્તામાં આવ્યા બાદ મદદ કરવાની વાત કરી છે. સીરિયામાં આંતર વિગ્રહ ચરમસીમા પર છે અને બળવાખોરો રાજધાની દમિશ્કમાં પહોંચી ગયા છે ત્યારે તમામની નજર હવે અમેરિકાના વલણ પર કેન્દ્રિત થઇ ગઇ છે. જો કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ અમારી લડાઇ નથી. અમેરિકા તેમાં સામેલ થવા ઇચ્છુક નથી.