BY CHINTAN SUTHAR, AHMEDABAD
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. જોકે આ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા પ્રિ બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપવા જતા હોય છે. જેથી આ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પ્રયોગ કરવામાં આવે છે. પ્રિ-બોર્ડ એક્ઝામનો કાર્યક્રમ પણ શહેર ડીઈઓ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ શહેરની 600 જેટલી સ્કૂલના ધોરણ 10ના 45 હજારથી વધુ વિદ્યાર્થીની તારીખ 18 જાન્યુઆરી 2025થી પ્રિ બોર્ડ એક્ઝામનો પ્રારંભ થશે. પ્રિ બોર્ડ એક્ઝામમાં બોર્ડની પરીક્ષામાં અપાતી હોલ ટિકિટ, બારકોડ, ખાખી સ્ટિકરનો ઉપયોગ કરાશે. એટલુ જ નહીં પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી વોચ રખાશે. ડીઈઓ કચેરીએ જાહેર કરેલ પરીક્ષા કાર્યક્રમ મુજબ, 18 જાન્યુઆરીએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી (પ્રથમ ભાષા)નું પેપર યોજાશે. જ્યારે 20 જાન્યુઆરીએ ગણિત સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિકનું પેપર લેવાશે. તો 21મીએ સામાજિક વિજ્ઞાન, 22મીએ વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. તેમજ 23 જાન્યુઆરીએ અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 24મીએ ગુજરાતી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા યોજાશે.