રશિયાનું સ્વાસ્થ્ય મંત્રાલય દાવો કરે છે કે તે દુનિયાની પહેલી એવી કેન્સર રસી તૈયાર કરી રહ્યું છે, જે તેના નાગરિકોને મફતમાં આપવામાં આવશે. આ રસી 2025ના આરંભમાં લોન્ચ કરવામાં આવશે. આ રસી ગાંઠની રચનાને રોકવા માટે નહીં પરંતુ કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં આવશે. રસી કયા પ્રકારના કેન્સર માટે અસરકારક રહેશે અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. તેમજ રસીનું નામ પણ જાહેર થયું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે રસી અત્યારે અંતિમ તબક્કામાં છે. પુતિને વધુમાં કહ્યું હતું કે, “અમે કેન્સરની રસી અને નવી પેઢીની દવાઓ બનાવવાની ખૂબ નજીક છીએ.ઉલ્લેખનીય છે કે રશિયામાં 2022માં કેન્સરના 6.35 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં કોલોન, સ્તન અને ફેફસાના કેન્સર સૌથી વધુ જોવા મળ્યા છે.