રોહિત શર્માની કેપ્ટનશીપમાં હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. બંને ટીમ વચ્ચે ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. ત્યારે આ મેચ પહેલા BCCIએ મોહમ્મદ શમીની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે, ઝડપી બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ શકશે નહીં. પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસની બાકી રહેલી છેલ્લી 2 ટેસ્ટ મેચ રમી શકે છે. પરંતુ હવે આ શક્ય બનશે નહીં. મહત્વનું છે કે, શમી ઈજાના કારણે વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદથી ટીમની બહાર છે. તેણે પગના ઘૂંટણની સર્જરી કરાવી છે.