હાલ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની પહેલી ઇનિંગમાં તેણે સદી ફટકારી હતી.બૉક્સિંગ ડેથી શરૂ થયેલી ટેસ્ટ મૅચમાં ભારતની સ્થિતિ કપરી હતી. ત્રીજા દિવસે પાંચ વિકેટે 164 રનના સ્કોરથી ભારતે ઇનિંગ શરૂ કરી, ત્યારે ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા. ભારતનો સ્કોર 200ને પાર કરે એ પહેલાં ઋષભ પંતે સ્વરૂપે છઠ્ઠી વિકેટ પડી. એ પછી નીતીશકુમાર રેડ્ડી મેદાનમાં આવ્યા. નવી જોડી હજુ જામે એ પહેલાં જ રવીન્દ્ર જાડેજા આઉટ થઈ ગયા. એ પછી વૉશિંગ્ટન સુંદર મેદાન પર આવ્યા. આ જોડીએ સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. ત્રીજા દિવસના પહેલા સેશન પૂર્ણ થયું, ત્યારે પણ ભારત પર ફૉલૉઓનનું જોખમ તોળાઈ રહ્યું હતું.
જોકે, બીજા સેશનમાં નીતીશકુમાર અને વૉશિંગ્ટન સુંદરની રમતને કારણે બીજા સેશનના અંત સુધીમાં ભારતે ફૉલૉઓન ટાળી દીધું હતું.વૉશિંગ્ટન સુંદર અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયો.જોકે, નીતીશકુમારે બીજો છેડો જાળવી રાખ્યો હતો અને નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી હતી. નીતિશે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. નીતિશની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની આ પહેલી સદી હતી. ઑસ્ટ્રેલિયાની ધરતી પર આઠમા ક્રમાંકે ઊતરીને સદી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. નીતિશની શાનદાર ઇનિંગે ભારતને સંકટમાંથી ઉગારી લીધું.
ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીની હાલ ચારેકોર પ્રશંસા થઈ રહી છે. જોકે અહીં સુધી પહોંચવામાં નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી ન હતી. હકીકતમાં નીતિશ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતાએ તેની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી હતી. તેના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યા છે. નીતીશકુમારની ઉંમર 21 વર્ષ છે. તેઓ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના રહીશ છે. 26 મે 2003ના તેમનો જન્મ થયો હતો.પાંચ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમનારા નીતીશકુમારે વર્ષ 2023માં આઈપીએલ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જોકે, નીતીશને વર્ષ 2024ની આઈપીએલથી ઓળખ મળી હતી. નીતીશે આઈપીએલની એ સિઝનમાં 13 મૅચમાં 303 રન ફટકાર્યા હતા. તેમની સ્ટ્રાઇકરેટ 142 રનની હતી. તેમણે ત્રણ વિકેટ લીધી.