રાજ્યમાં ચાલતા હજારો પ્રિ-સ્કૂલ માટે સરકાર કડક નિયમોની અમલવારી કરતા જ પ્રિ-સ્કૂલ સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે અગાઉ રજૂ કરેલા નિયમોમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવવું સહિતના નિયમોનો સમાવેશ કર્યો હતો. જેની સામે શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, હવે સરકારે તેમની રજૂઆતને ધ્યાને લઈ નિયમોમાં ફેરફાર કરવા માટે મૌખિક બાહેંધરી આપી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શાળા સંચાલક મંડળ અને પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠકમાં આ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો ટૂંકમાં અમલ પણ કરવામાં આવશે.
આ નિયમમાં મળી રાહત
15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારની બદલે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર કરવાનો રહેશે.
વર્ગદીઠ 5 હજાર ભરવાની બદલે આખી શાળા માટે 10 હજારની ફી રજિસ્ટ્રેશન પેટે ભરવાની રહેશે.
પ્રિ-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન સમય મર્યાદા ફેબ્રુઆરીને બદલે 6 મહિના સુધી વધારવામાં આવી.