અમેરિકામાં ગયા સપ્તાહે બરફના તોફાને હાહાકાર સર્જ્યા બાદ આ સપ્તાહે કેલિફોર્નિયામાં દાવાનળે ભારે વિનાશ વેર્યો છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગના કારણે હાહાકાર મચી ગયો છે. સૌથી ધનાઢ્ય શહેરોમાંના એક લોસ એન્જલસના જંગલોમાં છ સ્થળો પર 17000 એકરમાં લાગેલી આગના કારણે 8 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનાથી અમેરિકાને 5700 કરોડ ડોલર અંદાજે 5.15 લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે.
https://x.com/Protect_Wldlife/status/1877288243663634469
નેશનલ વેધર સર્વિસે દક્ષિણ કેલિફોર્નિયામાં 1.6 કરોડ લોકો માટે રેડ ફ્લેગ વોર્નિંગ જારી કરી છે. આ આગ હવે ઝડપથી ચારેબાજુ ફેલાઇ રહી છે. આગના કારણે હજુ સુધી 8 લોકોના મોત થયા છે. 70 હજારથી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. એક હજારથી વધુ ઇમારતો આગના સકંજામાં આવી ચુકી છે. હવામાન વિભાગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે આગ લાગવાનો ભય છે. આ પવનોએ આગને વધુ વેગ આપ્યો, જેના કારણે તે થોડા કલાકોમાં ઝડપથી ફેલાઈ ગઈ. રાત્રે જોરદાર પવનને કારણે આગ અન્ય વિસ્તારોમાં પ્રસરી જવાની શકયતા હતી.આગને કારણે ઘણા ઘરો બળી ગયા અને સનસેટ બુલેવાર્ડ અને પેસિફિક કોસ્ટ હાઇવે નજીક ખજૂરનું વૃક્ષ સળગી ગયું હતું. લોકોને વાહનો છોડીને પગપાળા ભાગવાની ફરજ પડી હતી.