સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તમામ સંલગ્ન શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને NCF-શાળા શિક્ષણને અનુરૂપ કૌશલ્ય શિક્ષણ કાર્યક્રમો અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓમાં કૌશલ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલોને ખાસ સૂચન કર્યું છે. શાળાઓમાં કૌશલ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે CBSE દ્વારા શાળાઓને 6 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે 600 ચોરસ ફૂટની એક સ્કીલ એજ્યુકેશન લેબ અથવા 400 ચોરસ ફૂટની બે અલગ-અલગ લેબ સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગત આપતા CBSE સિટી કોઓર્ડિનેટર રામાનંદ ચૌહાણે જણાવ્યું હતું કે, એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે CBSE સાથે જોડાણ ઇચ્છતી શાળાઓએ ‘કમ્પોઝિટ સ્કીલ લેબ’ સ્થાપિત કરવી ફરજિયાત છે. જે શાળાઓ પહેલાથી જ સંલગ્ન છે તેમણે ત્રણ વર્ષમાં આ લેબ સ્થાપિત કરવાની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, સુસજ્જ સ્કીલ ડેવલોપમેન્ટ લેબોરેટરી અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોની સ્થાપના મહત્ત્વપૂર્ણ છે.’