આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાએ થોડા સમય પહેલા એવો દાવો કર્યો હતો કે તેણે કેન્સરની વેક્સિન બનાવી છે, જે તમામ નાગરિકોને મફતમાં મળશે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને પોતાના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. ટીવી પર આપેલાં ભાષણમાં જાહેર કર્યા અનુસાર રશિયાએ કેન્સરની રસી વિકસાવી લીધી છે અને તેને 2025માં દર્દીઓની સારવાર માટે મફત પુરી પાડવામાં આવશે. ત્યારે યુએસમાં પણ નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટોચના ત્રણ ઉદ્યોગપતિઓને વ્હાઇટ હાઉસમાં બોલાવી તેમની પાસે એઆઇની સહાયથી કેન્સરની રસી વિકસાવવાના ૫૦૦ અબજ ડોલર્સના સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. એટલે કે કેન્સરની રસી માટે એઆઈ ટેકનોલોજીની મદદ લેવામાં આવશે.
સોફ્ટ બેન્ક, ઓપન એઆઇ અને ઓરેકલ એમ ત્રણ કંપનીઓ દ્વારા સહિયારા ધોરણે સ્ટારગેટ નામના પ્રોજેક્ટ માટે તત્કાળ ૧૦૦ એબજ ડોલર્સ ફાળવવાની જાહેરાત કરી હતી. ઓરેકલના સીઇઓ લેરી એલિસને જણાવ્યું હતું કે યુએસ દ્વારા એઆઇની સહાયથી ૪૮ કલાકમાં કેન્સરની વ્યક્તિગત રસી વિકસાવવામાં આવશે. પ્રમુખ ટ્રમ્પે આ પ્રોજેક્ટને ઇતિહાસમાં સૌથી મોટો એઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ ગણાવ્યો હતો. રશિયા બાદ જો અમેરિકામાં પણ કેન્સરની રસી વિકસાવવામાં આવે તો તેનો ફાયદો આખી દુનિયાને થાય તેમ છે. કેન્સરની બિમારીને કારણે દુનિયામાં દર વર્ષે લાખો લોકો મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં સૌથી વધારે મોત થવાનું બીજા ક્રમનું કારણ કેન્સર છે. દુનિયામાં થતાં છ મોતમાંથી એક મોત કેન્સરના કારણે થાય છે. ભારતમાં પણ ૨૦૨૫માં કેન્સરના દર્દીઓની સંખ્યા પંદર લાખનો આંક વટાવી જવાની ધારણાં છે.