કોરોના વાઈરસની ઉત્પત્તિ વિશે વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્યો છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, વુહાન બજારમાં ચામાચીડિયામાંથી વાયરસ ફેલાયો હતો. અન્ય વૈજ્ઞાનિકોનો દાવો છે કે, વાઈરસ વુહાન લેબમાંથી લીક થયો હતો. ત્યારે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ કોરોનાને લઈ એક મોટો દાવો કર્યો છે.
CIAનું માનવું છે કે, કોરોના વાયરસ ચીનની લેબમાંથી જ લીક થયો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, CIAએ તેના નવા રિપોર્ટમાં સંકેત આપ્યો છે કે આ વાઈરસ ચીનથી આવ્યો છે. એજન્સીએ એ પણ સ્વીકાર્યું છે કે તેને તેના રિપોર્ટના પરિણામો પર ઓછો વિશ્વાસ છે. નવા ડિરેક્ટર જોન રેટક્લિફે કાર્યભાર સંભાળ્યા પછી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. બિડેન વહીવટીતંત્રના કાર્યકાળ દરમિયાન CIA દ્વારા તૈયાર કરવામાં આવેલા અગાઉના રિપોર્ટમાં પણ કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે સ્પષ્ટ નહોતું થયું કે વાયરસ આકસ્મિક રીતે ચાઈનીઝ લેબમાંથી લીક થયો હતો કે જાણી જોઈને ફેલાયો હતો. હવે ટ્રમ્પના પુનરાગમન બાદ CIAના નવા રિપોર્ટમાં વાયરસની ઉત્પત્તિ કુદરતી રીતે નહીં, પરંતુ લેબમાંથી થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.