ભારત તેની લશ્કરી તાકાત વધારી રહ્યુ છે. તેમજ લશ્કરી હથિયારોની આયાત સાથે ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હાલમાં વડાપ્રધાનની આગેવાનીમાં યોજાયેલ સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ સ્વદેશી પિનાકા મલ્ટી-લોન્ચ આર્ટિલરી રોકેટ સિસ્ટમના દારૂગોળા માટે રૂ.10,200 કરોડના બે મહત્ત્વના સોદાને મંજૂરી આપી હતી. જેમાં બે સોદામાં આશરે રૂ. 5,700 કરોડના ખર્ચે ઉચ્ચ વિસ્ફોટક પ્રી-ફ્રેગમેન્ટેડ રોકેટ માટેનો દારૂગોળો અને આશરે રૂ. 4,500 કરોડના એરિયા ડિનાયલ મ્યુનિશન માટે છે. જે 11 લાખથી વધુ મજબૂત આર્મી દ્વારા પહેલેથી જ ઓર્ડર કરાયેલી 10 પિનાકા રેજિમેન્ટને પૂરી કરશે.
મળતી માહિતી મુજબ, સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વેગ આપવા માટે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સહિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વધુ મૂલ્યના દારૂગોળાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સૈન્ય સામગ્રીનું નિર્માણ નાગપુરની રોકેટ નિર્માતા કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ અને પૂવ આયુધ નિર્માણી બોર્ડ કંપની મ્યુનિશંસ ઇન્ડિયા લિમિટેડ (એમઆઇએલ)માં કરવામાં આવશે. કેબિનેટ સમિતિ દ્વારા મંજૂર કરાયેલ રોકેટની મારક ક્ષમતા લગભગ ૪૫ કિલોમીટર છે અને તે પાકિસ્તાન તથા ચીન બંને સરહદે અસરકારક સાબિત થઇ શકે છે. આપને જણાવી દઈએ કે, ડીઆરડીઓ અગાઉ જ પિનાકા રોકેટના ૧૨૦ કિમીના સ્ટ્રાઇક સંસ્કરણ બનાવવાના અંતિમ તબક્કામાં છે. આગામી વર્ષમાં તેનું પ્રથમ પરિક્ષણ થવાની આશા છે.