અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મહત્વની બેઠક મળી હતી. ઇઝરાયલના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જે દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. 20 જાન્યુઆરીએ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી. મુલાકાત બાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે અને તેનો વિકાસ કરશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ દુનિયાભરના મુસ્લિમ દેશોની ચિંતા વધી છે. જોકે, ટ્રમ્પે આ યોજના પર કામ કરવાની પદ્ધતિ કે તેના સંચાલન અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી.