ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(પી.આર.એલ.-અમદાવાદ)ના વિજ્ઞાનીઓની ટીમે આપણી સૂર્યમાળા બહાર(આપણા સૌરમંડળ બહારના ગ્રહોને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) એક મહાકાય ગ્રહ શોધ્યો છે. પી.આર.એલ.ના વિજ્ઞાનીઓની ટીમમાં એસ.બાલીવાલ, આર.શર્મા. એ.ચક્રવર્તીનો સમાવેશ થાય છે.
ટીઓઆઇ-6038એ બી સંજ્ઞા ધરાવતો ગ્રહ એટલો મહાકાય છે કે તે આપણી પૃથ્વી કરતાં 263ગણો વધુ મોટો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મહાકાય ગ્રહમાં આપણી 263 પૃથ્વી નાના નાના લાડવાની જેમ સમાઇ જાય. પી.આર.એલ.નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આ નવો એકઝોપ્લેનેટ સબ -સેટર્ન સાઇઝ (આપણી સૂર્યમાળાનો વલયધારી શનિ ગ્રહ કરતાં થોડોક નાનો) નો છે. મહત્વની શોધ તો એ છે કે આ વિશાળ ગ્રહની ધરતી ખડકાળ છે.આ એક્ઝોપ્લેનેટનું દળ પૃથ્વીના દળ (એમ :5.9722 : ગુણ્યા : 1024 કિલો) કરતાં 78.5 ગણું વધુ છે. જ્યારે તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા (6378 કિ.મી. – વિષુવવૃત્ત) કરતાં 6.41 ગણી વધુ છે. આશ્ચર્યની બાબત તો એ છે કે ટીઓઆઇ-6038એ બી ગ્રહ એક નહીં પણ બે સૂર્યની સિસ્ટમમાં છે.