વિશ્વની અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લા ભારતમાં આવવા માટે તૈયાર છે. જોકે, આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને પસંદ નથી આવી. તેમણે ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયાની જાહેરાત સાથે વિસ્તરણ યોજના રજૂ કરતા નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે ઇલોન મસ્કને આ નિર્ણયને અયોગ્ય ગણાવી સલાહ આપી છે કે ભારતમાં ટેસ્લા કાર વેચવી અશક્ય છે. ટ્રમ્પે કહ્યું કે, ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક માટે ભારતમાં તેની કાર વેચવી અશક્ય છે. તેમણે મસ્કની ભારતમાં ફેક્ટરી ખોલવાની યોજનાની આલોચના કરતાં કહ્યું કે, અમેરિકા માટે આ ખોટું હશે.એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આયાતી કારો પર ભારતના ઉચ્ચ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો.
આ મુદ્દે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી. જોકે બંને નેતાઓ ટૂંક સમયમાં વેપાર સમજૂતીની દિશામાં કામ કરવા સહમત થયા હતા. પરંતુ ટેરિફ મુદ્દો વણઉકેલ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું, વિશ્વના દરેક દેશ અમારો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેઓ ટેરિફ દ્વારા આમ કરે છે. જેમકે, ભારતમાં વ્યાવહારિક રીતે કાર વેચવાનું અશક્ય છે. આ ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, મસ્કને ભારતમાં ફેકટરી ખોલવાનો અધિકાર છે પરંતુ તેમનું આવું પગલું અમેરિકાને નુકસાન પહોંચાડશે. ટ્રમ્પે કહ્યું, જો તેઓ ભારતમાં ફેકટરી ખોલે તો ઠીક છે પરંતુ અમારા માટે તે ખોટી વાત છે.