ગૂગલ પ્લે સ્ટોરને ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ આદેશમાં 119 એપ્લિકેશનને બ્લોક કરવા જણાવાયું છે. ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આમાંની મોટાભાગની વિડિઓ અને વોઇસ ચેટ એપ્લિકેશનો છે અને ચીન અને હોંગકોંગ સાથે જોડાયેલી છે. આપને જણાવી દઈએ કે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઇટી એક્ટની કલમ 69અ હેઠળ આ સંદર્ભમાં આદેશો જાહેર કર્યા છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે ખતરો ઉભો કરી શકે તેવી સામગ્રી અથવા પ્લેટફોર્મને અવરોધિત કરવાની સત્તા આપે છે.
સરકારે ગૂગલ પ્લે સ્ટોરને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે તેમાંથી કેટલીક એપ્સ સિંગાપોર, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા વગેરે સાથે પણ જોડાયેલી છે. આદેશ છતાં અત્યાર સુધીમાં 119 એપ્સમાંથી માત્ર 15 જ દૂર કરવામાં આવી છે અને બાકીની હજુ પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આમાંની કેટલીક એપ્સના ડેવલપર્સે કહ્યું છે કે તેમને ગુગલ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે. જે એપ્સ બ્લોક કરવામાં આવશે તેમાં ChangApp, HoneyCam અને ChillChatનો સમાવેશ થાય છે