રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘે દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે સવારે 28 જોડા પરિવાર સાથે પહોંચતા જ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, ત્યાં કોઈ આયોજકો હાજર નહતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આયોજકો પૈસા લઈને ફરાર થઈ ગયા છે.
રસપ્રદ વાત એ છે કે, આ પ્રસંગે મહેમાન તરીકે શહેરના મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ પણ પ્રભુતાના પગલા માંડવા જઈ રહેલા નવયુગલને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા, પરંતુ જાનૈયાઓએ મેયરનો જ ઘેરાવ કર્યો હતો. જે બાદ મેયરને પણ સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે.

બનાવની જાણ થતા રાજકોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સાથે જ રાજકોટ ઝોન 1 ડીસીપી દ્વારા દીકરીઓના લગ્ન નહીં અટકાવવા દઈએ તેવી બાંહેધરી આપી છે અને જે વર-કન્યા સ્થળ પર હાજર છે તેમના લગ્ન કરાવી આપવાની જવાબદારી પોલીસે ઉપાડી એક ઉત્તમ દાખલો સમાજમાં બેસાડ્યો છે.