અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વના વિસ્તારોના રહેવાસીઓને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે રાસ્કા ખાતે 100 MLD ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. પૂર્વના રહીશોને ભવિષ્યમાં પીવાનું શુદ્ધ પાણી પૂરૂં પાડવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે SP રિંગ રોડને સમાંતર વસ્ત્રાલ, ઓડથી કમોડ સુધીના નવા વિકસતા વિસ્તારોમાં આગામી 15 વર્ષ એટલે કે 2040 સુધી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 100 MLDની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.આ હેતુસર રાજ્ય સરકાર પાસેથી જમીન સંપાદન કરાશે, જેના માટે રૂ. 1.88 કરોડ ચૂકવવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, હાલ રાસ્કા ખાતે 200 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે અને તેના મારફતે વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, લાંભા, ઈસનપુર, વટવા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
રાસ્કા ખાતે શેઢી બ્રાન્ચ કેનાલ પર 300 MLD ક્ષમતાનું હેડ રેગ્યુલેટર આવેલું હોવાથી 100 MLD પાણી મેળવી શકાય તેમ છે અને લાઈનની પાણીની વહન ક્ષમતા પણ 300 MLD હોવાથી SP રિંગ રોડ સમાંતર ભવિષ્યમાં થનારા વિકાસ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારી 300 MLD કરવાનું આયોજન અગામી વર્ષના બજેટમાં પણ કરવામાં આવ્યું છે. જેના માટે જમીન સંપાદન કરવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરી જમીન સંપાદન માટે કવાયત હાથ ધરાઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર પટેલ રિંગરોડ સમાંતર વસ્ત્રાલથી ઓડ કમોડ સુધીના નવા વિકાસ થતા વિસ્તારમાં ભવિષ્યમાં થનાર વિકાસ પ્રમાણે પાણીની જરૂરિયાતને ધ્યાને લેતા દસક્રોઈ તાલુકાના ચવલજ ગામની કુલ 27516 ચો.મી. જમીન સંપાદન કરાશે.