દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી રોમાંચક મેચ રમાઈ છે. ત્યારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સીધી ટક્કર થશે. ક્રિકેટચાહકો પણ આ મેચને લઈને ઘણા ઉત્સુક છે. ભારતની મજબૂત બેટિંગ અને બૉલિંગ લાઇન-અપ તેમને કોઈપણ મેચ જીતવામાં મદદ કરી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શાનદાર મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યાથી રમાશે. ક્રિકેટના આ મહાયુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ શાનદાર મેચમાં વિરાટ કોહલી અને શાહીન આફ્રિદી સિવાય રોહિત શર્મા અને હરિસ રૌફની ટક્કર જોવા મળશે.
દિગ્ગજ ક્રિકેટરોથી સજ્જ ભારતીય ટીમ ફરી પાકિસ્તાની ટીમને હરાવવા માટે તૈયાર છે. જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે. ભારત અને પાકિસ્તાન દુબઈમાં 28 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં પાકિસ્તાને ભારતને 19 વખત હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને માત્ર 9 વાર જીત મેળવી છે. દુબઈમાં ભારત સામે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે.