યજમાન પાકિસ્તાનની ટીમ જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થતા પાકિસ્તાનના ચાહકોને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીતે યજમાન પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દીધું છે. પાકિસ્તાનને ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બીજી મેચમાં પણ ભારતે તેને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાનની ટીમની આશા બાંગ્લાદેશથી હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. આ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું.આ મેચમાં પ્રથમ રમત રમીને બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે રચિન રવિન્દ્રની 112 રનની જોરદાર સદીની મદદથી 46.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. રચિન ઉપરાંત ટોમ લાથમે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 55 રનની ઇનિંગ રમી હતી. ICC ODI ટૂર્નામેન્ટની માત્ર 11 ઇનિંગ્સમાં રચિન રવિન્દ્રની આ ચોથી સદી હતી.