ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ રહ્યો છે અને માર્ચ મહિનો તેની સાથે ઘણા મોટા ફેરફારો લઈને આવ્યો છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. નવા મહિનાના પ્રથમ દિવસથી દેશમાં લાગુ કરવામાં આવનાર આ મોટા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારથી લઈને વીમા પ્રીમિયમની ચુકવણીની પદ્ધતિઓમાં ફેરફારનો સમાવેશ થાય છે. 1લી માર્ચ એટલે કે આજથી થનારા ફેરફારો પર એક નજર કરીએ.
UPI નિયમોમાં ફેરફાર
1 માર્ચ, 2025થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)માં ફેરફાર થવા જઇ રહ્યો છે, જે વીમા પ્રીમિયમની ચુકવણીને સરળ બનાવશે. UPI સિસ્ટમમાં Bima-ASB (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ) નામની નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે. આના દ્વારા જીવન અને સ્વાસ્થ્ય વીમા પોલિસીધારકો તેમના પ્રીમિયમની ચુકવણી માટે અગાઉથી નાણા બ્લોક કરી શકશે. પોલિસી ધારકની મંજૂરી પછી, તમારા પૈસા આપમેળે ખાતામાંથી કપાઈ જશે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ, 1 માર્ચ, 2025 થી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ LPG સિલિન્ડરની કિંમતમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 1 ફેબ્રુઆરીએ તેની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
જેટ ઇંધણના ભાવમાં સુધારો
દર મહિનાની પહેલી તારીખે, તેલ વિતરણ કંપનીઓ જેટ ઇંધણ એટલે કે એર ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં સુધારો કરે છે. આવી સ્થિતિમાં 1 માર્ચે જેટ ફ્યુઅલની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ATFની કિંમતોમાં ફેરફારની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા પર પડી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડને લઈને બદલાયો નિયમ
આજથી એટલે કે 1લી માર્ચથી, મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેઠળ, રોકાણકાર ડીમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં વધુમાં વધુ 10 નોમિની ઉમેરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 માર્ચ, 2025થી અમલી છે.