રાજ્યમાં ભારે ગરમી અને બફારા બાદ હવે લોકોને આગામી ચાર-પાંચ દિવસ તેનાથી રાહત મળશે.છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા, ત્યારે હવે આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષના કારણને તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે. અત્યારે રાજ્યમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા હોવાથી તાપમાનમાં ઘટાડો થશે. ઉપરાંત ઉત્તર-પશ્ચિમથી ઠંડા પ્રદેશમાંથી પવનો ફુંકાતા તાપમાન ઘટશે જેથી કાળઝાળ ગરમીમાં ગુજરાતવાસીઓને હમણાંના સમયમાં આંશિક રાહત મળશે.