અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના બાદથી તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ભારત અમેરિકી માલસામાન પર લાદવામાં આવતા ટેરિફ (આયાત કર) ઘટાડવા માટે સંમત થયું છે. વ્હાઈટ હાઉસથી નેશનલ લેવલ પર સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી ભારે ટેરિફ-ટેક્સ વસૂલી રહ્યું હતું. જોકે અમે ભારતમાં કોઈ વસ્તુ વેચી નહોતા શકતા. જોકે હવે ભારતે નમતું વલણ અપનાવ્યું છે. તે ટેરિફમાં ઘટાડો કરવા રાજી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન હાલમાં ટેરિફને લઈને તીવ્ર વિવાદમાં ઉતર્યા છે. અમેરિકા દ્વારા ચીની માલસામાન પર ટેરિફ વધારવાના પગલાં સામે ચીને પણ વળતો જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં ચીનની નજર હવે ભારત પર મંડરાઈ રહી છે.