બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. રવિવારે મોડી રાત્રે લિબરલ પાર્ટીએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. કાર્નીને 85.9% મત મળ્યા હતા.
કાર્નીએ પીએમ પદની રેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, ભૂતપૂર્વ સરકારી ગૃહ નેતા કરીના ગોલ્ડ અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ફ્રેન્ક બેલિસને હરાવ્યા હતા. મહત્વનું છે કે, માર્ક કાર્ની કેનેડાના પહેલા વડાપ્રધાન હશે જેમને કોઈ પણ કાયદાકીય કે કેબિનેટ અનુભવ નહીં હોય. બીજીબાજુ સોમવારે કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. તેમના વિદાય ભાષણમાં ટ્રુડોએ લોકોને દેશના ભવિષ્યમાં જોડાયેલા રહેવા વિનંતી કરી હતી.