ગુજરાતીઓને ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ ધોમધગતા તાપનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે આવા સમયે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં યેલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. ત્યારે અમદાવાદ અને સુરત સહિત રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આ શહેરમાં તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ખુબ જ આકરી ગરમી રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.