અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ટ્રમ્પના કેટલાક નિર્ણયોના કારણે ભારે વાદવિવાદ પણ થયા છે ત્યારે હવે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ફક્ત એક કે બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. વાસ્તવમાં આગામી થોડાક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા દેશો પર નવો મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત પાકિસ્તાન સહિત 41 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સંદર્ભમાં, 10 દેશોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા ઘણા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના વિઝા સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો સહિત સમગ્ર ટ્રમ્પ પ્રશાસન આ નવા ટ્રાવેલ પ્રતિબંધને મંજૂરી આપશે, ત્યારબાદ તેને અમેરિકામાં લાગુ કરી શકાશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો હતો.