ચોમાસા અને વરસાદની ઋતુમાં લોકો ઘણીવાર ઘરની બહાર નીકળતા ડરે છે અને તેમના ડરનું મુખ્ય કારણ આકાશમાંથી પડતી વીજળી છે, જે ગમે ત્યારે અને ગમે ત્યાં પડે છે. જેના કારણે દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે. ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ એવી ટેક્નોલોજીની શોધ કરી છે જે વરસાદની મોસમમાં વીજળી પડતા પહેલા પણ લોકોને એલર્ટ મોકલશે. ચોમાસામાં વીજળી ક્યાં પડશે, તેની માહિતી પહેલેથી જ મળી જશે.
ઈસરોની નવી ટેકનોલોજી મુજબ હવે વીજળી પડે તે પહેલા જ એલર્ટ મળી જશે. ઈસરોએ વીજળીની આગાહી કરવાની ક્ષમતા મેળવી લીધી છે. ઈસરોની આ સફળતાએ વિશ્વભરને ચોંકાવી દીધા છે. ઈસરોએ કહ્યું કે, ‘ભારતીય જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી ડેટા એકત્ર કરીને વીજળીની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે.’