ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો. 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 12 એપ્રિલે લેવાનારી પરીક્ષા હવે 21 એપ્રિલે લેવાશે. ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના લીધે ફેરફાર કર્યો છે. જેમાં 12 એપ્રિલના રોજ ધોરણ-9 અને 11ની લેવાનારી પરીક્ષા હવે 21 એપ્રિલના રોજ લેવાનું નક્કી કરાયું છે. બોર્ડના આ નિર્ણય બાદ રાજ્યના હજારો વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણા વાલીઓએ અગાઉથી જ પ્રવાસના આયોજન કરી લીધા હતા અને ધોરણ-9 અને 11ની પરીક્ષા 19 એપ્રિલના રોજ પૂર્ણ થતી હોવાથી 20 એપ્રિલની જ ટિકિટો બુક કરાવી લીધી હતી, પરંતુ હવે તારીખમાં ફેરફાર થતાં વાલીઓની સ્થિતિ કફોડી બની છે અને ટિકિટો તથા અન્ય બુકીંગ કેન્સલ કરાવવાની ફરજ પડી છે.