ગુજરાત ટાઇટન્સે IPL 2025માં શાનદાર ફોર્મ જાળવી રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને તેમના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની આ સિઝનમાં સતત ત્રીજી જીત છે, જ્યારે હૈદરાબાદને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતને ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ કરવાનું આમંત્રણ હતું. જેમાં હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 16.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને 153 રન બનાવીને જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ તરફથી નિતિશકુમાર રેડ્ડીએ સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન 25થી વધુ રન નોંધાવી શક્યા નહતા. ગુજરાત ટાઈટન્સના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સામે હૈદરાબાદના બેટ્સમેનો વધુ સમય સુધી પીચ પર ટકી શક્યા નહતા. ગુજરાત તરફથી સિરાજે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાંઇ કિશોરે 2-2 વિકેટ લીધી હતી. 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ તરફથી શુભમન ગિલે 61, વોશિંગ્ટન સુંદરે 49 અને રુધરફોર્ડે 35 રનની ઈનિંગ રમી ટીમને 16.4 ઓવરમાં જીત અપાવી હતી.