ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં બેંગલુરૂએ મુંબઈને 12 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બેંગલુરૂએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 221 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 209 રન જ બનાવી શકી હતી.
RCB તરફથી વિરાટ કોહલીએ ૬૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરતાં ૬૪ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલે ૩૭ અને જીતેશ શર્માએ અણનમ ૪૦ રન બનાવ્યા હતા. જવાબમાં ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવામાં સફળ રહી નહોતી. મુંબઈ તરફથી તિલક વર્માએ આક્રમક બેટિંગ કરતાં ૫૬ રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહતો. RCB તરફથી બોલિંગમાં કૃણાલ પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૪ મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે યશ દયાલ અને જોશ હેઝલવુડે પણ ૨-૨ વિકેટ લીધી હતી.