અયોધ્યા રામ મંદિર ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. ફરી એકવાર અયોધ્યા રાજા રામના અભિષેક માટે સજ્જ થઇ રહ્યું છે.વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબાર પણ બનાવવામાં આવ્યો છે. આ દરબાર મંદિરના પહેલા માળે બનેલ છે, જેને રામ દરબાર તરીકે સ્થાપિત કરવામાં આવશે.રામ મંદિર અયોધ્યા ખાતે ભગવાન રામને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાના આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ સમારોહ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ગત વર્ષે 22 જાન્યુઆરીએ યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સાપેક્ષમાં આ સમારોહ પ્રમાણમાં નાનો હશે. અહીં નોંધનિય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.ભગવાન રામને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાનો આ કાર્યક્રમ એક રીતે મંદિરમાં નિર્માણ કાર્યની એક રીતે પૂર્ણાહુતિ પણ હશે. મંદિરની મોટા ભાગની નિર્માણ કામગીરી પૂર્ણ થઇ છે. મહત્વનું છે કે, વર્ષ 2020 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મંદિર નિર્માણ કામગીરી શરુ કરવામાં આવી હતી.