અમેરિકાની નવી ટેરિફ નીતિ સામે આંતરરાષ્ટ્રીય વિરોધ છતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધીમા પડવા તૈયાર થતા ન હોતા. ત્યારે આખરે ટ્રમ્પના તેવર ઢીલા પડતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે રોકી દીધા છે. તેમણે પોતાના નિર્ણયને પાછો ખેંચવા પાછળનું કારણ દેશો સાથે વેપાર પર નવી વાટાઘાટોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, તેમણે આ મુક્તિમાં ચીનનો સમાવેશ કર્યો નથી, પરંતુ ચીન પરનો ટેરિફ 104% થી વધારીને 125% કર્યો છે.
ચીન અને યુરોપ સહિત અનેક દેશોએ અમેરિકાની આ નીતિને તમામ પક્ષો માટે નુકસાનકારક ગણાવી હતી. અમેરિકા સાથે વાટાઘાટોના પ્રયાસ નિષ્ફળ રહેતાં ચીને અમેરિકા સામે ટેરિફનું હથિયાર ઉપાડ્યું હતું, જેમાં ચીને ગુરુવારથી અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાનું નાક દબાવવાનો ચીને પ્રયાસ કરતાં ટ્રમ્પ બમણા જોરથી ઉછળ્યા છે. અગાઉ ટ્રમ્પે ચીન પર 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ ચીનના આક્રમક વિરોધ બાદ તેમણે ચીન પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ વસૂલવાનું એલાન કરી દીધું છે.