જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા દસેક હજાર પ્રવાસીઓ પર પડી છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી હતી તો શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના અપાતા પાંચેક હજાર ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે.
મહત્વનું છે કે રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે.