ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૩૯મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું. કોલકાતાને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર આ હાર મળી હતી. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું, જ્યારે બોલરોએ પણ અસરકારક બોલિંગ કરીને KKRના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી દીધું.
આ મેચમાં કોલકાતાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી ગુજરાતે પહેલા બેટિંગ કરીને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત તરફથી ઓપનર બેટર શુભમન ગિલે તોફાની બેટિંગ કરીને 55 બોલમાં 90 રન ફટકાર્યા હતા.
આ સિવાય સાંઇ સુદર્શને 36 બોલમાં 52 રન અને જોસ બટલરે 23 બોલમાં અણનમ 41 રન બનાવી કેકેઆર સામે વિશાળ સ્કોર મૂકવામાં મોટો ફાળો આપ્યો હતો. જોકે ગુજરાતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ જવાબમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અન્ય બોલરોએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.