અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને ‘જગતપતિ જગદગુરુ’ની પદવી એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના અનેક સંતો હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં આ ઉચ્ચ પદવી આપવામાં આવી છે.આ સન્માન સાથે મહંતશ્રી હવે “જગતગુરુ દિલીપદાસજી મહારાજ” તરીકે ઓળખાશે. આ પદ કોઈ સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું નથી, તેની પાછળ કડક ધર્મિક માપદંડો લાગુ થાય છે.
નીચેના ધર્મીય ધોરણો અનિવાર્ય
- ત્યાગી સંન્યાસી હોવો જોઈએ
- બ્રહ્મચારી જીવન જીવતો હોવો જોઈએ
- ચતુર્વેદ, વેદાંગ અને પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ
- સંસ્કૃતમાં પ્રવીણતા હોવી જોઈએ
- જીવનમાં મુંડન અને પિંડદાન કરેલું હોવું જોઈએ
- રૂદ્રાક્ષ ધારણ કરેલો હોવો જોઈએ
આ ઉપરાંત અખાડાઓના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો અને કાશી વિદ્વત પરિષદની સંમતિ આવશ્યક હોય છે. તમામ ધોરણો પૂરા થયા પછી જ શંકરાચાર્યની પદવી એનાયત થાય છે.
કોણે કરી હતી શંકરાચાર્ય પદની સ્થાપના?
ભારતની ધાર્મિક પરંપરામાં આદિ ગુરુ શંકરાચાર્યનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. તેમણે સનાતન ધર્મના સંચાલન અને સંવર્ધન માટે દેશના ચાર મુખ્ય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી હતી — દ્વારકા, પુરિ, જ્યોતિર્મઠ અને શ્રૃંગેરી. આ ચારેય મઠોના મહંતને “શંકરાચાર્ય” તરીકે ઓળખવામાં આવે છે.
હાલના સમયમાં દેશના ચાર મુખ્ય શંકરાચાર્ય મઠો:
ગોવર્ધન પીઠ, પુરી (ઓડિશા)
શારદા પીઠ, દ્વારકા (ગુજરાત)
જ્યોતિર્મઠ, ઉત્તરાખંડ
શૃંગેરી પીઠ, રામેશ્વરમ (તમિલનાડુ)
આ ઉપરાંત, કાંચીપુરમ સ્થિત કાંચી મઠ પણ એક મહત્વપૂર્ણ હિંદુ ધાર્મિક કેન્દ્ર છે. આ મઠને પણ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.