ટેટૂ લવરો માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જી હાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં જિલ્લા મહિલા હોસ્પિટલમાં પ્રિ-ડિલિવરી ટેસ્ટિંગ દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં 68 જેટલી મહિલાઓ એચઆઇવી સંક્રમિત મળી આવી છે. કાઉન્સેલિંગ દરમિયાન આમાંથી 20 મહિલાઓએ જણાવ્યું કે તેમને શંકા છે કે તેમના શરીર પર ટેટૂ કરાવવાને કારણે તેમને ચેપ લાગ્યો છે. આ તમામ મહિલાઓએ રોડસાઇડ ટેટૂસ્ટ દ્વારા તેમના ટેટૂ કરાવ્યા હતા. આ પછી તેની તબિયત લથડી હતી. હોસ્પિટલ ખાતેના કાઉન્સિલરના જણાવ્યા અનુસાર પંદરથી વીસ મહિલાઓ દર વર્ષે એચઆઈવી પોઝિટિવ મળી આવે છે. કાઉન્સિલરની ચકાસણીમાં જણાયું હતું કે ચાર વર્ષમાં 68 મહિલાઓમાંથી વીસ મહિલાઓને રસ્તા પરના ટેટૂ આર્ટિસ્ટ પાસેથી ટેટૂ કરાવવાથી એચઆઈવી સંક્રમણ થયું હતું.
મહિલા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે સંક્રમણની માહિતી આપતા જણાવ્યું કે એચઆઈવી અને હેપટાઈટીસ લોહીના સંસર્ગથી ફેલાય છે. ટેટૂ કરાવતી વખતે સોય સંક્રમિત હોય તો એચઆઈવી ચેપ લાગવાની શક્યતા રહે છે. હોસ્પિટલના કાઉન્સિલરે લોકોને ચેપ રોકવા કોઈપણ પ્રકારે લોહીનો સંસર્ગ ન થાય તેની તકેદારી રાખવાની ભલામણ કરી છે.નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ટેટૂ કરાવવાથી HIV કે AIDS જેવા ચેપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે. તેમણે સમજાવ્યું કે જો ટેટૂ કરાવતી વખતે સ્વચ્છતા અને સલામત સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ચેપનું જોખમ લગભગ નહિવત્ બની જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે અસુરક્ષિત સોય અથવા દૂષિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થાય છે.