દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી-20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં આફ્રિકાને 135 રનથી રગદોળ્યું હતું.ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. ભારત તરફથી તિલક વર્માએ અણનમ 120 રન બનાવ્યા, જ્યારે સેમસન 109 રન બનાવીને અણનમ રહ્યો અને બંનેએ બીજી વિકેટ માટે માત્ર 86 બોલમાં 210 રન જોડ્યા.
ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે આ સૌથી મોટી ભાગીદારી મોટા ટાર્ગેટની સામે હોમ ટીમ 18.2 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.
આ સાથે ચોથી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. T-20માં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે. આ પહેલાં 2023માં ઓસ્ટ્રેલિયાએ ટીમને 111 રને હાર આપી હતી. ભારતે બીજી વખત સાઉથ આફ્રિકાને 100+ રનથી હરાવ્યું છે. ગત વર્ષે પણ ટીમ ઈન્ડિયાએ સા. આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં જ 106 રનથી મેચ જીતી હતી.